Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા.
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.

અમૃત ‘ ઘાયલ’

એમ તો ન કરી શક્યા અમને નગરમધ્યે,
બદનામ કરવા એ દરેક ઘર સુધી ગયા.

એમ તો નિરખી ન શક્યા ખુદાને ખુદ મહીં.
લોક સઘળા પથ્થરના ચણતર સુધી ગયા.

પાત્રતા તો ન હતી ખાબોચિયાં જેટલીયે,
‘ને વિશાળતાને પામવા સમંદર સુધી ગયા.

અમે કંઈ એમ પાછા આવવાના પણ ન હતા,
તો ય અવિશ્વાસુ પંખી છેક ચાદર સુધી ગયા.

જીવતા કોઈ જાણી ન શક્યું ‘આરઝુ’ અમને,
મૃત્યુ બાદ સૌ ફુલો લઈ કબર સુધી ગયા.

રાજેશ જોશી ‘આરઝુ’

૧૯૯૫ માં યોજાયેલી પાદપુર્તિ સ્પર્ધાની વિજેતા કૃતિ.

મૌન રડે છે અને માણસ તરફડે છે.
ચિત્કારની આગ પર ખિચડી ચડે છે.

વિસ્ફોટ થૈ ને વિખેરાય ગયા શમણા.
દાનવતાનો દૈત્ય માનવતા કચડે છે.

બોમ્બ થૈ ‘ને કેમ ફુટી જાતી નફરત?
શા માટે માણસ જ માણસને નડે છે?

નફરત વાવશો તો નફરત જ લણશો.
ઓસામાનો દેહ પણ સમંદરે સડે છે.

કોઈ તો ગાળિયો કાંપી નાખો કરુણાંથી.
માનવતા લટકતી ફાંસીને માંચડે છે.

રહેવા દે! આ સંહાર નાદાન માનવ તું!
ક્યાંક ક્રિષ્ન રડે છે, ક્યાંક કરીમ રડે છે.

રાજેશ જોશી ‘આરઝુ’

(Jumerah Beach…                                   …Dubai)

જિંદગી રણની મળી, ભીનાશ થઈ ઉભા રહો.
પ્યાસ મૃગજળની મળી, વિશ્વાસ થઈ ઉભા રહો.

ચારેકોર અંધકાર ‘ને, ઓળા અથડાયા કરે,
જ્યોત દીપની મળી, પ્રકાશ થઈ ઉભા રહો.

કસ્તુરી પડી ભીંતર મહી ‘ને શોધું ચોપાસ,
વ્યથા હરણની મળી, આશ થઈ ઉભા રહો.

કરમાઈને પણ સુગંધ આપે એવુ ફુલ બનું,
હસ્તી ક્ષણની મળી, સુવાસ થઈ ઉભા રહો.

અંતરને કદી સીમાડા હોતાં નથી ‘આરઝુ’
ધુળ એના ચરણની મળી, આકાશ થઈ ઉભા રહો.

રાજેશ જોશી ‘આરઝુ’